સુરત : ભાજપના નેતાઓને કોઇ સવાલ પુછે તે ગમતું નથી - હાર્દિક પટેલ

ભાજપા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કર્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ સુરતમાં સભા કરી હતી. કતારગામની જાહેર સભામાં હાર્દિક પટેલે કહ્યુ હતું કે, ભાજપના નેતાઓને કોઇ સવાલ પુછે તે ગમતું નથી. સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં.
કતારગામ આંબાતલાવડી ખાતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જાહેરસભા સંબોધી હતી.વોર્ડ ન.6,7 અને 8માંથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચારમાં હાર્દિક પટેલ સુરત આવ્યા હતા. સભા સંબોધતા હાર્દિકે કહ્યું કે, 25 વર્ષથી સુરતમાં ભાજપનું રાજ છે પણ ભાજપના નેતાઓ અને કતારગામના ધારાસભ્યને કોઈ સવાલ કરે એ ગમતું નથી.વૃદ્ધને પણ જેલની હવા ખવડાવે છે. કતારગામના ધારાસભ્ય વિષે જેટલું લખાય રહ્યું છે એટલું જો મારા વિષે લખાયું હોય તો હું પદેથી રાજીનામુ આપી દઉં.મનપામાં જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ઈંગ્લીશ મીડીયમ સ્કૂલો ખોલી મફત શિક્ષણ આપીશું.મિલ્કત વેરો 50 ટકા કરીશું અને ફ્રી વાઇફાઇ ઝોન ઉભા કરીશું. હાર્દિકે નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે, હું પાંચ વર્ષથી સરકાર સામે લડી રહ્યો છું. આવનારી પેઢી જયારે મને પૂછશે કે જયારે ગુજરાત લૂંટાતું હતું ત્યારે તમે ક્યાં હતા તો હું કહીશ કે મે 9 મહિના જેલ કાપી છે. મનપામાં કોંગ્રેસ આવશે તો મેં જે વાયદા આપ્યા એ પુરા કરીશ આ વાયદા નરેન્દ્ર મોદીના નથી આ વાયદા મારા છે જે પુરા થશે જ.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સીઆર પાટીલ ધમકીની ભાષા બોલે છે. કતારગામમાં સભા સંબોધતા હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે સુરતમાં ક્રેઈન લૂંટ ચાલી રહી છે. લ્મેટ સહિતના દંડના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની ગાડી સરળતાથી પાર્ક થઇ શકે એ માટે ફ્રી પાર્કિંગ ઝોન બનાવીશું અને ટ્રાફિકના નામે થતો રંજાડ દૂર કરીશું. આ ઉપરાંત વેરા 50 ટકા સુધી ઘટાડી દેવાની વાત પણ હાર્દિકે કરી હતી.
એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોંગ્રેસથી વિમુખી થઈ છે ત્યારે હાર્દિક પટેલની સભામાં પણ પાસના સભ્યો નજરે પડ્યા ન હતાં. જેને લઈ આ વખતે કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોય તેમ લાગી રહ્યું છે.