સુરતની ચકચારીત અકસ્માતની ઘટનામાં દીકરીને ન્યાય - અતુલ વેકરીયા ઉપર સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો - આરોપીના જામીન રદ થઇ શકે છે : ઝમીર શેખ

સુરતની ચકચારીત અકસ્માતની ઘટનામાં દીકરીને ન્યાય - અતુલ વેકરીયા ઉપર સાપરાધ મનુષ્યવધની કલમનો ઉમેરો - આરોપીના જામીન રદ થઇ શકે છે : ઝમીર શેખ

સુરત વેસુમાં અતુલ બેકરીના મલિક અતુલ વેકરીયા દ્રારા બનેલી અને ચકચારીત હીટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે આખરે લોકોનો રોષ જતા અને પોલીસ કાર્યવાહી સામે આક્ષેપો થતા શનિવારે સાંજે કલમ 304 - સાપરાધ મનુષ્યવધનો ઉમેરો કર્યો હતો. જો કે આરોપીનો દારૂ પીધેલાનો મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ હજી આવવાનો બાકી હોય પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો નથી જેમાં રિપોર્ટ આવ્યા બાદ MV એક્ટ 185 કલમનો ઉમેરો પણ થઇ શકે છે. ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરીયાને બચાવવા ધારાસભ્યના દબાણને વશ થઇ આરોપી સામે અકસ્માતની હળવી કલમ - 304 (એ)  લગાડતા અતુલ વેકરિયાને કોર્ટમાંથી 24 કલાકમાં જામીન મળી ગયા હતા જેને લઇ લોકોમાં ભારેશ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ સોસીયલ મીડિયામાં પોલીસ ઉપર આકરા પ્રહારો કરતા પોલીસે આરોપી સાથે પૈસાનું સેટિંગ કરી દીકરીના મૌતનો સોદો કર્યો હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
સુરત ટ્રાફિક પોલીસ એસીપી મેવાડાએ અકસ્માત વાળી જગ્યાની મુલાકાત કરી તેમણે એમવી એક્ટ 185 અને 304 ની કલમ ઉમેરો કરવાની વાત કરી હતી છતાં પણ ઉમરા પોલીસે વાતને ધ્યાને લીધી ન હતી પરંતુ લોકોના રોષનો ભોગ બન્યા બાદ અને ઠેર ઠેર પોલીસની ટીકાઓ થતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા જે બાદ છેવટે પોલીસે 304ની કલમનો ઉમેરો કર્યો હતો.
સુરત શહેર પોલીસ ઝોન - 3 ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યુ હતું કે અકસ્માતમ કેસમાં કલમ 304 નો ઉમેરો કરાયો છે સાથે આરોપીના જામીન રદ્દ કરવા માટે પણ કોર્ટમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અકસ્માત કેસમાં કાચું કાપ્યા બાદ પોલીસ કાર્યવાહીની ફજેતી થતા આખરે હવે આમ જનતાનો વિશ્વાસ કેળવવા આ કેસમાં મજબૂત કડીઓ મેળવવા માટે પોલીસે ફ્રેન્કીની લારી ચલાવતી મહિલા અને તેના પુત્રના નિવેદનો લીધા છે ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા છે તેમજ અન્ય એક મોપેડને અડફટે લીધું હતું તે દંપતીના પણ નિવેદન લેવામાં આવશે.
પોલીસના મત પ્રમાણે અકસ્માત થયું તે જગ્યાએ રોડ ઉપર બમ્પ હતો એટલે કારની સ્પીડ ધીમી હતી જો કે ઍક્સિડન્ટ બમ્પ પહેલા થયું છે. તેમજ જે સ્થળ પર અકસ્માત થયો છે તે બમ્પથી દુર છે. મૃતક ઉર્વશીના મોપેડને ભારે નુકશાન થયું છે. જે જોતા કારની સ્પીડનો અંદાજો લગાવી શકાય છે.
સુરતના જાણીતા ક્રિમિનલ એડવોકેટ ઝમીર શેખે જણવ્યું હતું કે IPC કલમ 304(એ) હેઠળ આરોપીને જામીન મળ્યા હોય તો પોલીસે કલમ 304નો ઉમેરો કોર્ટમાં મોકલી અગાઉના જામીન રદ કરવા અંગેની અરજી આપી ફ્રેશ વોરંટ ઇશ્યુ કરાવવું જોઇએ ત્યાર બાદ પોલીસ આરોપીની ધરપકડ શકે છે.