સુરતમાં રહેતી મહિલા તબીબે આપઘાત કર્યો - મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું,પપ્પાનું ધ્યાન રાખજો.

સુરતમાં રહેતી મહિલા તબીબે આપઘાત કર્યો - મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું,પપ્પાનું ધ્યાન રાખજો.

સુરતના અડાજણ વિસ્તારમાં મુક્તાનંદ સોસાયટી પાર્કના કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી 29 વર્ષીય મહિલા ડોક્ટર અહવવીયા સતીઠે ગુરુવારે સવારે વેક્યુરોનિયમ ઇન્જેક્શનનો ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હતો. ડોક્ટર અહલ્યા સતીઠે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વેસ્ક્યુલર હોસ્પિટલમાં એનેસ્થેસિયાના તબીબ તરીકે ફરજ બજાવતી હતી. આત્મહત્યા કરનાર તબીબ પાસેથી પિતાને સંબોધીને અંગ્રેજીમાં લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી. તમે ભણવા માટે ફાઇનાન્સયલી સપોર્ટ કર્યો તે બદલ આભાર. મહિલા તબીબ કોઇમ્બતુર યુનિવર્સિટીથી નીટની તૈયારી કરી રહી હતી તે વખતે તેનો એક યુવતી સાથે ઝઘડો થયો હતો જેના કારણે તેણે કોલેજ છોડી 1 વર્ષ ઘરે રહી તૈયારી કરવી પડી હતી. તે વખતથી તે ટેન્શનમાં રહેતી હતી. આ વાતને 4 વર્ષ થયા છે. છતાં આ વાતથી આજે પણ તે ટેન્શનમાં રહેતી હતી જેના કારણે મહિલા તબીબે આપઘાત કરી લીધો તેવો સ્યુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો છે
મૂળ ચેન્નાઇની વતની અને સુરત ખાતે અડાજણમાં રહેતી મહિલા તબીબ અડાજણની હોસ્પિટલ સિવાય અન્ય 2 ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં ફરજ બજાવતી હતી. મૃતકના પિતા અને ભાઈ ખેડૂત છે. મહિલા તબીબ 3 વર્ષથી તેના ઘરે ગઇ ન હતી. પરિવારમાં તે એકની એક દીકરી હતી તેણીએ સુરત સિવિલમાં એમડીનો અભ્યાસ પુરો કર્યો હતો. અચાનક મહિલા તબીબે આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. મહિલા તબીબની ડેડબોડી લેવા પરિવારજનો સુરત આવી પહોંચ્યા હતા.
મહિલા તબીબ જે હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ત્યાંના ડો.સમીન શાહે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં 25 દિવસથી પાર્ટ ટાઇમ જોબ કરતા હતા. રવિવારે પણ ડ્યુટી પર આવ્યા હતા પછી મહિલા ડોકટરે પિતાને એટેક આવ્યો હોવાની વાત કરી ચાલુ ડ્યૂટી પરથી ચેન્નાઈ જવું પડે એમ કહી નીકળી ગયા હતા.
એક - બે દિવસથી પરિચિત ડોક્ટર ફોન કરતા હતા પરંતુ તેણીએ ફોન રિસીવ કર્યા નહતા જેથી તેમની બહેનપણીઓને શંકા કૂશંકા સેવાતા તેના પરિચિત વ્યક્તિના ઘરે ગયા હતા. જ્યાંથી ચાવી લઈને ઘરનો મેઇન દરવાજો ખોલ્યો હતો. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસને જાણ કરી હતી. જે બાદમાં દરવાજો તોડ્યા રૂમમાં રહસ્યમય સંજોગોમાં મહિલા તબીબ મૃત હાલતમાં મળી આવતા ચોંકી ઉઠ્યા હતા જોકે આ મામલે પોલીસ તપાસ શરૂ કરતા હાલ મરનાર મહિલા તબીબ અહલ્યાએ હાથમાં ઈન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી આપી છે. અને તેની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે આ પગલું ભરું છું તે માટે કોઇ જવાબદાર નથી. મારા પપ્પાને પ્રેમ કરું છું પપ્પાનું ધ્યાન રાખજો. હાલ અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે.