Rajkot : રામેશ્વર શરાફી સહકારી મંડળીનું કૌભાંડ

રાજકોટમાં રામેશ્વર શરાફી સહકારી મંડળીનું કૌભાંડ, 60 કરોડની ઉચાપતમાં વાઇસ ચેરમેન અને મેનેજર સકંજામાં, ચેરમેન પોલીસ પકડથી દૂર
રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકોએ 4200 થાપણદારો-રોકાણકારોની 60 કરોડની મૂડી હજમ કરી જઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના વાઇસ ચેરમેન અને મેનેજરને ઉઠાવી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી કૌભાંડના સૂત્રધાર મંડળીના ચેરમેન સંજય દુધાત્રાની શોધખોળ શરૂ કરી છે. જે સાંજ સુધીમાં પકડાઈ જાય તેવી શક્યતા છે.
પોલીસ તપાસમાં અત્યારે સત્તાવાર 103 લોકોના નામ સામે આવ્યાં છે. આરોપીઓએ જમીનમાં પૈસા રોક્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ કરન્સી ટ્રાન્સફર કરી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
કોઠારિયા રોડ પરના દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોરના સંચાલક સંજયભાઇ જયંતીભાઇ સોજીત્રાએ ગુરૂવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે કાંતા વિકાસગૃહ રોડ પર શ્રીમદ ભવનમાં આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયાના નામ આપ્યા હતા.
સંજયભાઇ સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમણે તેમજ તેમના પરિવારના સભ્યોએ રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં રોકાણ કર્યું હતું અને પાકતી મુદતે પણ રકમ ઉપાડવાને બદલે વધુ રકમ સાથે રોકાણ કર્યું હતું પરંતુ 2020માં પાકતી મુદતે રકમ ઉપાડવા ગયા ત્યારે મંડળીના ચેરમેન સંજય દુધાગરાએ રકમ આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા અને બાદમાં મંડળીને તાળા મારી રવાના થઇ ગયા હતા.
શરાફી મંડળીના સંચાલકોએ મંડળીના 4200 રોકાણકારોની 60 કરોડની મૂડી હજમ કરી જઇ છેતરપિંડી આચરી હતી. સંજય દૂધાગરાએ અવનવા સ્વપ્ન બતાવી તેના સગા સંબંધીઓ પાસે પણ મંડળીમાં લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.