Surat : ગાઈડ લાઈનના પાલન સાથે સુરતીલાલાઓએ ઉત્તરાયણ પર્વ ઉજવ્યુ

કોરોનાની મહામારી વચ્ચે સરકારના વિવિધ આદેશો વચ્ચે ગુરૂવારે સુરતીઓએ પ્રિય તહેવાર ઉત્તરાયણની પર્વની ઉજવણી કરી હતી. સવારથી જ સુરતીઓ સરકારના નિયમોનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ ભેગા થઈને પતંગના કરતબ દેખાડી રહ્યાં છે.
દરવર્ષે ડીજેના તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વખતે મોબાઈલમાં ગીત વગાડીને પતંગ ચગાવતા નજરે પડ્યા હતાં. હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને વિશ્વમાં છે. સુરતમાં પણ કોરોનાએ કારો કેળ વર્તાવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા લોકોને ભેગા થઈ તહેવારો મનાવવાની મનાઈ ફરમાવી છે. જો કે ગુરૂવારે ઉત્તરાયણ પર્વ હોય સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પડાઈ હતી. જે ગાઈડ લાઈનના પાલન સાથે સુરતીલાલાઓએ ઉત્તરાયણ પર્વ ઉજવ્યુ હતું. સવારથી જ હવા પણ પતંગ માટે અનુકૂળ રહેતા સુરતી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરવર્ષે ઉતરાયણમાં નવી નવી એસેસરિઝ જોવા મળતી હોય છે. આ વખતે પતંગોમાં પણ નવીનતાની સાથે સાથે બાળકો માટેના અવનવા પપૂડા અને ચશ્માની નવી વેરાઈટીની સાથે સાથે ટોપીઓ પણ જોવા મળી રહી છે.
વધુમાં ઉત્તરાયણના પર્વએ દાન કરવુ મહત્વનું છે ત્યારે સવારના સમયથી લોકોએ ગાયોને ઘાંસ ખવડાવી તથા દાન કર્યાં હતાં. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઝોળી ફેરવવામાં આવી હતી. જેમાં લોકોના ઘરે ઘરે જઈને દાન એકઠું કરવામાં આવ્યું હતું.