Surat : ભાઠેનામાં પાલિકાની ટીમ નો સ્થાનિકોએ કર્યો વિરોધ

તાજેતરમાં ભાઠેનામાં લાઇનદોરીમાં નડતરરૂપ ડિમોલીશન કરવામાં આવેલા આંબેડકર વસાહતમાં પાલિકાની ટીમ રસ્તાનો સર્વે કરવા માટે જતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સર્વેની કામગીરી શરુ કરે તે પહેલા જ થાળીઓ વગાડી વિરોધ કરાતા પાલિકાની ટીમ પરત ફરી હતી.
સુરત મહાનગર પાલિકા દ્વારા ભાઠેના વિસ્તારમાં લાઈનદોરીમાં નડતરરૂપ મકાનોનું ડિમોલીશન કર્યુ હતું. અને ત્યારબાદ ટીમ રસ્તાના સર્વે માટે પહોંચતા ત્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો. અને સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, વર્ષ 2010-11માં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જે તે સમયે 150 જેટલા ઝુંપડાઓનું ડિમોલીશન પણ કરવામાં આવ્યું હતું. હવે તે જગ્યા પર દીવાલ પણ બનાવી દેવામાં આવી છે. એક મહિના અગાઉ 24 મીટરનો રસ્તો ખુલ્લો કરવા ટીપી 33 અને ટીપી 7 ની વચ્ચેનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી જેમાં પણ 90 ઘર આવતા તેમને પણ હટાવવામાં આવ્યા હતા. ત્યારે હવે ભાઠેના કેનાલ રોડ પર ફરી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી. રસ્તો બની ગયા બાદ દીવાલ બની ગઈ છે તો ફરી શા માટે સર્વે કરવાની કામગીરી કરવામાં આવે છે તેવા સવાલો પણ સ્થાનિકોએ ઉઠાવ્યા હતા.અહીં અન્ય કોઈ ટ્રાફિકને લગતા કે બીજા કોઈ કારણો ન હોવા છતાં શા માટે આ કાર્યવાહી કરવામાં આવે છે તે મામલે પણ સવાલો ઉઠાવ્યા હતાં. જેથી સ્થાનિકોએ થાળી વગાડી મનપાની ટીમનો વિરોધ કરતા ટીમ પરત ફરી હતી.
વધુમાં સ્થાનિકોએ કહ્યુ હતું કે આ વિસ્તારમાં ટ્રાફિકની કોઈ સમસ્યા નથી છતા શા માટે મનપા દ્વારા આ કામગીરી કરાય છે તે સમજાતુ નથી.