Surat : વધુ નવા 284 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ નવા 284 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 43,111 પર પહોંચી ગયો છે. તો કોરોનાથી વધુ 2 ના મોત સાથે મૃતાંક 1056 થયો છે જ્યારે કોરોનાને મ્હાત આપનારાઓની સંખ્યા 40,224 પર પહોંચી છે.
સુરત મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના નવા 284 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 43,111 પર પહોંચી ગયુ છે. આ સાથે શહેર જિલ્લામાં વધુ 2 ના મોત સાથે કોરોનાથી મૃત્યુઆંક 1056 થયો છે. શનિવારે સુરત શહેરમાંથી 180 અને જિલ્લામાંથી 43 મળી કુલ 223 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 40,221 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,834 પર પહોંચી ગઈ છે. જેમાં સુરત સિટીમાં કુલ 31,723 કોરોના પોઝિટિવ કેસમાં 775 ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11,388 કેસ પૈકી 281 ના મોત થયા છે. સુરત સિટીમાં 29,655 અને સુરત જિલ્લામાં 10,566 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. નવા નોંધાયેલા કેસમાં ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 5 લોકો સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મીઠાઈની દુકાન ચલાવનાર, 8 વિદ્યાર્થીઓ, એસ.એમ.સી. સ્કૂલ ટીચર, ડ્રાઇવર, લિંબાયત પોલીસનો કોન્સ્ટેબલ, બ્રોકર, ગોર મહારાજ, રિપોર્ટર, કલર ટેક્સનો કર્મચારી, એકાઉન્ટન્ટ, સર્જીકલ આઈટમ વેચનાર, એક્સીસ બેંકનો મેનેજર, ઇલેક્ટ્રિકની દુકાન ચલાવનાર, નવી સિવિલ હોસ્પિટલના ડોકટર અને પેકેજીંગનો ધંધો કરનાર સહિત અનેકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 81 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 28 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 35 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 25 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 13 દર્દીઓ ઓક્સિજન પર છે.