મુંબઈ 45 દિવસ હાઇએલર્ટ - કોરોનાની બીજી લહેરને કાબુમાં રાખવાના પ્રયાસ

મુંબઈ 45 દિવસ હાઇએલર્ટ - કોરોનાની બીજી લહેરને કાબુમાં રાખવાના પ્રયાસ

કોરોના કેસોમાં રાહત બાદ મુંબઇમાં તહેવારોમાં કોરોનાની બીજી લહેરને કાબુમાં કરવા સરકાર હરકતમાં આવી છે અને આગામી 45 દિવસ સુધી હાઈએલર્ટ જાહેર કરીદીધું છે. તહેવારની સીઝન પુરી થવા આવી છે ત્યારે કોરોનાની સ્થિતિ કાબુમાં રહે એ માટે મુંબઈ સુધરાઈએ કમરકસી છે. અગાઉ તા.18 સપ્ટેમ્બરે થયેલી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવાનું શરુ કર્યું છે. અગાઉ એક્ટિવ દર્દીઓની સંખ્યા 34,136 હતી જે અત્યાર સુધીની સૌથી વધુ છે. કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલોને પણ સુધરાઈએ એલર્ટ કર્યા છે એટલું જ નહીં કોરોનાના કેસ ઉપર કાબૂ રહે તે માટે ટેસ્ટીંગની સંખ્યા વધારી છે અને જનરલ ડોક્ટરોને પણ કોરોનાને લગતી માહિતીઓ આપવા જણાવી દેવાયું છે. કેસની સંખ્યા વધી જાય તેવા સંજોગોમાં અધિકારીઓ અને કામદારોને પણ તૈયાર રહેવા જણાવાયું છે. હાલ કોવિડ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝીટીવ આવવાનો દર 10 ટકા કરતાં ઓછો છે તેમ છતાં તહેવારો દરમ્યાન લોકોના સંપર્કમાં આવનારા દુકાનદારો, ફેરીયાઓ, બસ કન્ડકટરો સુપર સ્પ્રેડર ન બને તે માટે તેમના ટેસ્ટની સંખ્યા વધારી દેવાઈ છે. સુધરાઈ પાસે હાલ 13,288 ક્વોરન્ટીન બેડ સાથે 29 કોવિડ કેર સેન્ટર તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે 3242 બેડ સાથેનાં 24 કોવિડ કેર સેન્ટર છે.