સુરત : એકતા ટ્રસ્ટ દ્વારા બિનવારસી મળેલા મૃતકોની અસ્થિઓનું ગંગામાં વિસર્જન

વર્ષોથી સુરત શહેરમાં બિનવારસી લાશોની નાત જાત કે ધર્મના વાડાઓ ભુલી અંતિમ વિધી કરતી એકતા ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીમાં પણ સરાહનીય કામગીરી કરી હતી. કોરોના પોઝીટીવ અને નેગેટીવ સાથે શંકાસ્પદ 2200 લાશો સાથે બિનવારસી મળેલા મૃતકોની 4200 અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાનાર છે. ત્યારે આ સમયે એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી સહિતની ટીમના મોઢા પર ખરેખર પોતે માનવતાવાદી કામગીરી કરતા હોય તેવો આભાસ જોવા મળ્યો હતો.
સુરત શહેરમાં વર્ષોથી બિનવારસી લાશોની અંતિમ વિધિ કરવાનું બિડુ જાણે એકતા ટ્રસ્ટે ઝડપ્યુ હોય તેમ લાગે છે. કોઈ પણ હોનારત હોય ત્યારે સૌ પ્રથમ કામગીરી માટે પહોંચી જતી એકતા ટ્રસ્ટની ટીમે હાલમાં જ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીમાં પણ એક સ્વજનની જેમ કામગીરી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. બિનવારસી લાશોની સાથે સાથે કોરોનામાં પોઝીટીવ અને નેગેટીવ સાથે શંકાસ્પદ લાશોની પણ એકતા ટ્રસ્ટ દ્વારા અંતિમ વિધી કરાઈ હતી. ત્યારે જ્યાં પરિવાર દુર જતો હોય તેવી કોરોનાની બિમારી સમયે પણ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી, ફિરોઝ મલેક, હાજી ચાંદીવાલા, ઈમ્તીયાઝ ઈંટવાલા, વિરેનભાી, યુસુફ બારડ, હેમંત પેંચીવાલા, મેહુલ, કેતન, પ્રિત વૈદ્ય, દામુભાઈ ઠક્કર અને પ્રેમ શર્મા સહિતની ટીમ દ્વારા કોરોનાની મહામારીમાં કોરોના પોઝીટીવ અને નેગેટીવ સાથે શંકાસ્પદ કોરોનામાં સારવાર દરમિયાન સ્વર્ગસ્થ થયેલ દિવગંતોની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગામાં વિસર્જન કરાનાર છે. ત્યારે આ સમયે મીડિયા સાથે વાત કરતા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારીએ જણાવ્યુ હતું કે 35 વર્ષથી એકતા ટ્રસ્ટ સંસ્થા સુરતમાં માનવતાની મહેક ફેલાવી રહી છે. કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાઓની અસ્થિઓને લઈ શનિવારે સાંજે એકતા ટ્રસ્ટની ટીમ હરિદ્વાર રવાના થઈ હતી.
સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ કામગીરી કરે છે જો કે એકતા ટ્રસ્ટ દ્વારા મહામારી સમયે કરાયેલી કામગીરી માત્ર સુરત જ નહી પરંતુ સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાં પણ નોંધપાત્ર બની હતી. ત્યારે નાત, જાત અને ધર્મના વાડાઓ તોડી માત્રને માત્ર માનવસેવા હેતુ કામગીરી કરતી એકતા ટ્રસ્ટ સંસ્થાને સૌ સૌ સલામ...